લઘુકથાઓ નો સંગ્રહ (ભાગ 3) અંતર્ગત લેખક જયારે જયારે પણ લઘુ કથાઓ લખે છે ત્યારે ત્યારે અમારા અવલોકન પ્રમાણે તે પોતાની આસપાસ ની ઘટનાઓ ને પોતાના શબ્દો માં વર્ણવાની કોશિશ કરતા હોઈ છે.
આ પોસ્ટ ના ભાગરૂપે અમે આપણી સમક્ષ રજુ કરી રહ્યા છી એ પ્રખ્યાત લેખક શ્રી વિજય રાજ્યગુરુ કૃત લઘુ કથાઓ નો સંગ્રહ ભાગ 3
શ્રી વિજય રાજ્યગુરુ ની લઘુકથાઓ નો ભાગ 1 તમે અહીં વાંચી શકો છો અને ભાગ ૨ તમે અહીં વાંચી શકો છો.
આ ભાગ રૂપે આપ નીચે વર્ણવેલ લઘુ કથાઓ વાંચી અને આનંદ ઉઠાવી શકો છો:

રૂપેરી વાળ ( લઘુકથા ) : વિજય રાજ્યગુરુ
બહાર વરસાદનું જોર વધ્યું હતું એ તરફ અછડતી નજર નાખી દાદીમાએ વાર્તા આગળ ચલાવી.
“રાજકુમારે પછી તો ભગવાનને સાક્ષી રાખીને રાજકુમારી સાથે લગન કર્યાં. વર્ષો પસાર થઈ ગયાં. રાજકુમારને વતન સાંભર્યું. વાજતે-ગાજતે, લાવલશ્કર સાથે રાજકુમારીને તેડી જવાનું વચન આપી રાજકુમાર પાંખાળા ઘોડા પર બેસીને ગયો તે ગયો.
આજની ઘડી ને કાલનો દી’. રાજકુમારીની આંખ તો બની ગઈ ખળખળતી નદી! રાજકુમારી રોજ પોતાનો સોનેરી વાળ તોડી તોડીને નદીમાં મૂકે છે પણ રાજકુમાર આવતો નથી….”
સામે ટીંગાતા આયના પર દાદીમાની નજર સ્થિર થઈ ન થઈ ત્યાં પૌત્ર તન્મયે એમને હલબલાવતા પૂછ્યુંઃ- “પછી, દાદીમા?”
“પછી તો બેટા, નદીયે સુકાઈ ગઈ અને સોનેરી વાળેય ખૂટી પડ્યા એટલે રાજકુમારીએ પોતાના રૂપેરી વાળ તોડી તોડીને…..”
ફટાક અવાજ સાથે બારી ઊઘડી ગઈ. વાછટ છેક અંદર ધસી આવી. દાદીમા શકુન્તલાદેવીની આંખનો અરીસો ધુમ્મસ ધુમ્મસ થઈ રહ્યો…
દેવનો દીકરો ( લઘુકથા ) : વિજય રાજ્યગુરુ
ચોળી ચોળીને શરીર ધોતી કંચન ઘડીભર અટકીને વાત સાંભળવા એક કાન થઈ રહી. હીંચકે બેઠાં-બેઠાં કંચનની બા પડોશણ સાથે વાતે વળગ્યાં હતાં.
“અમારી મોટી છોડીને સૂરત આપી છે. તે આ વખતે મોટા જમાઈ આવ્યા ત્યારે અમારી નાની છોડી કંચલીને શે’ર જોવા હાર્યે લેતા ગ્યા! પણ મૂઈ કંચલીને શે’ર કાંઈ બવ ગોઠ્યું નૈ તે આ બે દી મોર્ય પાશી વઈ આવી.
પણ બાઈ, ઈ આવી ત્યારથી દીમાં તણ્ય તણ્ય વાર સુગંધી સાબૂથી નાયા વગર હાલતું નથ્ય! શે’રના માણહ સોખ્ખા બવ બાઈ! અને અમારા ઈ મોટા જમાઈને તો તમે ક્યાંથી જોયા હોય બેન.. ઈન્દરરાજા જેવું રૂપ.. જાણે દેવનો દીકરો!”
બાથરૂમમાં નહાતી કંચન કોઈએ ઉકળતું પાણી નાખ્યું હોય એમ ઝઝકી ગઈ અને વળતી પળે ચામડી ઉતરડી નાખવી હોય એવા ઝનૂનથી ફરી શરીર ઘસવા માંડી.
ડાયરીનાં ત્રણ પાનાં ( લઘુકથા ) : વિજય રાજ્યગુરુ
મહાબળેશ્વર 10 નવેમ્બર
બીજી વખત અહીં આવ્યો. એ જ તળાવ. એ જ પહાડ. આ વખતે જરાય મજા ન આવી. સૂર્યોદય પણ સુંદર નથી લાગતો. સુધાની જ યાદ આવ્યા કરે છે. ના, હવે અહીં મન નહીં જ ચોંટે. કાલે જ પાછો ચાલ્યો જઈશ.
મહાબળેશ્વર 11 નવેમ્બર
આજે પૂર્ણિમા ચંદાવરકર સાથે પરિચય થયો.
મહાબળેશ્વર 12 નવેમ્બર
આજે પૂર્ણિમા સાથે દૂર સુધી ફરવા ગયો. ખૂબ મજા આવી. છેક ટેકરીની ટોચ સુધી ગયાં. ઘાટઘૂટ વગરના પથ્થરો પણ સન્ધ્યાના ઝાંખા ઉજાસમાં કેવા રમણીય જણાતા હતા! આજે જ રજા લંબાવતો તાર કરી દીધો. સુધાને પત્ર હવે કાલે લખીશ.
તુરંત જ અપડેટ્સ જાણવા માટે અમારા ફેસબુક પેજ ને અત્યારે જ લાઈક કરો. જોડાવા માટે અહીં ક્લિક કરો.