રંગ ગુજરાતી સાહિત્ય વિભાગ છે ધર્મેશ ઉનાગર કૃત ગુજરાતી ગઝલ સંગ્રહ. આ તમામ ગઝલો “તલપ લાગી” અંતર્ગત પ્રકાશિત કરવામાં આવેલ છે.
રચના – 1 (ગુજરાતી ગઝલ)
નિરંતર હોશ કે બેહોશમાં તારી તલપ લાગી.
થયો મદહોશ તો મદહોશમાં તારી તલપ લાગી.
તલપ લાગી મને જુદા પડ્યાની એક ઘટનામાં
અધૂરી ને ઊણી આગોશમાં તારી તલપ લાગી.
ચડે જો રીસ તારે તોય તેમાંથી ખરે ફૂલો
મને રળિયામણા એ રોષમાં તારી તલપ લાગી.
પ્રસરતી જાય તેથી શ્વાસમાં ને રક્તમાં ખુશ્બુ
મને ફૂલો અને ફિરદોસમાં તારી તલપ લાગી.
મને લાગી તલપ તારી જ સાતે સાત દરિયામાં
મને એવી જ ટીપા ઓસમાં તારી તલપ લાગી.
ગુજરાતી કાવ્ય: “અવની” નું કાવ્ય : જૂનાગઢ – ખુબ જ સુંદર રચના
રચના – 2 (ગુજરાતી ગઝલ)
સતત આ ચાલતી ધમસાણમાં તારી તલપ લાગી.
મને વીંધી ગયેલા બાણમાં તારી તલપ લાગી.
વહ્યા લોહી તો લોહીજાણમાં તારી તલપ લાગી.
મળ્યું પરિત્રાણ તો પરિત્રાણમાં તારી તલપ લાગી.
જતો હું જેમ ઊંડે એમ તેજોમય થતો જાતો
અલૌકિક એ અમીરી ખાણમાં તારી તલપ લાગી.
મને અંદરથી ખેંચીને કશે લઈ જાય છે કોઈ
અગોચર એ અગમ ખેંચાણમાં તારી તલપ લાગી.
હવે તો રક્ત પણ બોલી રહ્યું છે નામ બસ તારું
રગેરગનાં બધા પોલાણમાં તારી તલપ લાગી.
વાંચો: ગુજરાતી નવલકથા – બોજ કુમળા ફૂલનો : દિલીપ ઘાસવાળા
રચના – 3 (ગુજરાતી ગઝલ)
મને દિવસ અને આ રાતમાં તારી તલપ લાગી.
સુગંધીદાર શ્વાસોશ્વાસમાં તારી તલપ લાગી.
ગુરુજી તું જ છો ને તું જ છો મારી પરમ વિદ્યા
જીવનના રોજરોજે તાસમાં તારી તલપ લાગી.
નજર સામેથી નીકળી જાય છે કૈ કેટલા અવસર
રહીને શાંત ઝંઝાવાતમાં તારી તલપ લાગી.
હવે હું તળ અતળ પાતાળથી ઊંડે જતો રહ્યો.
સમાધિ શી સ્વયંની જાતમાં તારી તલપ લાગી.
હકીકત એ હદે તું વ્યાપ્ત છો મારી રગેરગમાં
પ્રગટ હો એમ ભ્રમણાભાસમાં તારી તલપ લાગી.
// રચયિતા – ધર્મેશ ઉનાગર //
વાહ..કવિ મિત્ર ધર્મેશ ઉનાગર … સરસ ગઝલો નો સુંદર ગઝલ સંગ્રહ….